આઝાદી

આજે ઑફિસેથી ઘરે આવી ત્યારે ઘરના આંગણામાં ૩ નાના બિલાડીના બચ્ચા રમતા જોયા. એકદમ તાજા જન્મેલા હોય તેટલા નાના હતા, પણ બિલાડી આજુબાજુ ન દેખાઈ. હું ધીરેથી ઘરમાં ગઈ અને દૂધનું વાસણ લઇ આવી. બચ્ચા મને જોઈને સ્વાભાવિક રીતે ગભરાઈ ગયા અને દીવાલ પાસે ગોઠવેલા એક કુંડા પાછળ છુપાઈ ગયા. ત્યાં એક બચ્ચાંની જગ્યા પણ માંડ હશે, પણ ત્રણેય ત્યાં ગોઠવાઈ ગયા. થોડી વાર તેમને બુચકારવાનો, લલચાવાનો પ્રયત્ન કર્યો પણ અંતે હાર માની વાસણ ત્યાં છોડી હું અંદર જતી રહી. બિલાડી પાછી ન આવી ત્યાં સુધી બચ્ચા બહાર ન નીકળ્યા તો ન જ નીકળ્યા.

આ પ્રસંગથી વિચાર આવ્યો કે કુદરતે બિલાડી જેવા પ્રાણીના નવજાત બચ્ચામાં પણ એ સમજ મૂકી છે કે તે પોતાનું રક્ષણ કરી શકે. બિલાડી જ્યાં પણ ગઈ હશે ત્યાં જતા તેને વિશ્વાસ હશે કે બચ્ચા પરસ્પર ઝગડા કરી એકબીજાને ઇજા નહિ પહોચાડે, કોઈ ખતરા સામે તેઓ પોતાનું રક્ષણ કરી લેશે, અને મારા જેવા કોઈ લાલચ આપશે તો તે તેમાં ફસાઈ નહિ જાય. તો જો મનુષ્ય આ ધરતી પર બિલાડી કરતા વધુ વિકસિત પ્રાણી હોય તો માનવીના બચ્ચામાં પણ આવી કુદરતી સમજ નહિ હોય? આજે માં બાપ બાળકોના વિકાસ, હિત અને સુરક્ષા માટે ગાંડપણની હદ સુધી પગલાં લે છે, શું એ જરૂરી છે?

આપણે એવું સાંભળતા હોઈએ છે કે, “સંતાનો ઘરની, શહેરની બહાર થોડા વર્ષો ભણવા જાય તો તૈયાર થઇ જાય. કારણ એ કે ત્યાં તેમને બધું જાતે ‘મેનેજ’ કે ‘હેન્ડલ’ કરવું પડે.” જો આ સાચું છે તો તેમને “તૈયાર” થવા માટે અને ભૂલો કરવા માટે જે વાતાવરણ બહાર મળે છે તે વાતાવરણ ઘરમાં પૂરું પાડીએ તો! તેમની પાછળ પડી પડીને સરકસમાં વાઘને તાલીમ અપાતી હોય તેવા આબેહૂબ દ્રશ્યો આજકાલ ઘરે ઘરે જોવા મળે છે. આ સરકસના વાઘ પછી જંગલમાં રહેવાની આવડત અને શૂરવીરતા ખોઈ દેતા હોય છે. તે બસ સરકસના ખેલમાં શોભે.

ડો. શ્રી અબ્દુલ કલામજીએ ખુબ સરસ કહ્યું છે કે, “આપણા સંતાનો માટે આપણે તેમના આ પૃથ્વી પર અવતરવા માટેનો માર્ગ માત્ર છીએ. તેમની પર સત્તા ન જમાવીએ અને તેમને તેમનું જીવન ઘડવાની આઝાદી આપીએ.” નાનપણથી બાળકોને પડવા આખડવાની, ભૂલો કરવાની છૂટ જે માં બાપ આપે છે તે સંતાનો, ખુબ સુરક્ષિત વાતાવરણમાં મોટા થયેલા સંતાનો કરતા જીવનના સંઘર્ષોનો સામનો કરવા વધુ સક્ષમ હોય છે, આ તારણ અનુભવી મનોચિકિત્સકો આપે છે. આપણે બાળકોને જીવનના સરકસમાં સુંદર ખેલ કરવા તૈયાર ન કરીએ પણ જીવનરૂપી જંગલમાં કોઈપણ સંઘર્ષ કરી શકે તેવા તૈયાર કરીએ.

છેલ્લે, જો બાળકોને આવી આઝાદીની અને છૂટછાટની વાત હોય તો પછી આપણે ઘરના પુખ્તોને તો ક્યાંક વારંવાર રોકી ટોકી નથી રહ્યા ને? પોતાને આ સવાલ પૂછતાં રહેવાથી ઘણા સંબંધો સચવાઈ જાય તેમ છે.